પ્રવૃત્તિઓ → રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)
સમગ્ર વિશ્વમાં આપણા રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રોની હરોળમાં વિશિષ્ટ રાષ્ટ્ર બનાવવું હોય તો સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની ગતિ તથા અન્ય વૈવિધ્ય ઉપાંગોથી વિશિષ્ટ પ્રતિભા ઊભી કરવી આવશ્યક બને. નવ યુવાનો દ્વારા આ પ્રકારનું વૈચારીક પગલું ભરવામાં આવે તો જ આપણા દેશને વિશિષ્ટ અને વૈવિધ્ય સભર રાષ્ટ્ર બનાવી અન્ય રાષ્ટ્રોની કક્ષામાં પ્રગતિમય બનાવી શકીએ.
માત્રને માત્ર પોપટીયું જ્ઞાન કે ચાર દિવાલોમાં ચાલતા શિક્ષણને મહત્વ ન આપતાં આપણો ઉદ્દેશ્ય પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને પ્રવૃત્તિ શિક્ષણ દ્વારા વિદ્યાર્થી સર્વાંગી વિકાસમાં જ રહેલો છે.
શાળામાં ચાલતી વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં ઉડીને આંખે વળગે એવી રાષ્ટ્રીય પ્રવૃતિ એટલે રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.). રાષ્ટ્રીય સ્તરે પાંગરેલી કેટકેટલીયે પ્રવૃત્તિઓમાં “ હું નહિ પણ તમે ” આ સૂત્ર સાથે કાર્યરત N.S.S. નું સ્થાન નજર અંદાજ ન કરી શકાય.
N.S.S. નું દર્શન સમગ્ર વર્ષ દરમ્યાન નિયમિત અને ખાસ શિબિરની પ્રવૃત્તિના માધ્યમથી થાય છે. જેમકે, પર્યાવરણ માટે વિકાસ અને સુરક્ષા, શ્રમ કાર્ય, ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય, સર્જનાત્મક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ખેલકૂદ જેવી નિયમિત પ્રવૃતિઓ N.S.S. ની ઓળખ આપે છે. આ પ્રવૃત્તિ દ્વારા તેજસ્વીતા, સર્જનાત્મકતા, તત્પરતા અને તન્મયતા પેદા કરી વિદ્યાર્થીને સુસંસ્કૃત નાગરિક બનાવવા પ્રયત્ન થાય છે. વિદ્યાર્થી એના જીવનમાં સેવા, બલિદાન અને રાષ્ટ્ર ભાવના વિકસિત કરે એ ધ્યેય N.S.S.નું હાર્દ છે.
N.S.S. યુનિટ દ્વારા સપ્ત દિવસિય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રાતઃકર્મ, પ્રભાતફેરી, યોગાસન, પ્રાણાયામ, શેરી સફાઈ, શૈક્ષણિક જાગૃતિ, ગ્રામ સંપર્ક, સ્થાનિક સ્થળની મુલાકાત, રમણીય સ્થળની મુલાકાત, ભ્રષ્ટાચારનો પ્રભાવ જેવા નાટક, વૈજ્ઞાનિક વિચાર પ્રચાર, ગ્રામ સભા અને પ્રાર્થના સંધ્યા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તદુપરાંત રાત્રી કાર્યક્રમ, પ્રૌઢ શિક્ષણ, પ્રાથમિક શાળાની મુલાકાત, રાસ-ગરબા, બોધ નાટક, ડાયરો, ભજન મંડળીની જમાવટ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય જાગૃતિ લાવવાના સઘન પ્રયાસો થાય છે.